શબ્દો રૂપી લાગણી - પ્રેમ પત્ર Dave Tejas B. द्वारा महिला विशेष में हिंदी पीडीएफ

Featured Books
श्रेणी
शेयर करे

શબ્દો રૂપી લાગણી - પ્રેમ પત્ર

આજ થી વર્ષ પહેલા લગ્નમંડપમાં હસ્તમેળાપ વખતે મારી હથેળીમાં આવેલો તારો હાથ એ ખાલી હસ્તમેળાપ નહોતો પરંતુ મારી જિંદગીને પોતાની જિંદગી સાથે જોડીને મારા પગલે ચાલવાવાળો તારો સાથ હતો જેના થકી આજે હું અહિયાં સુધી પહોચ્યો છું. જિંદગીનુ આ વર્ષ જાણે આંખના પલકારામાં કેમ પસાર થઇ ગયુ એ ખબર જ નાં પડી.

તારા પ્રેમને જીવવામાં, સમજવામાં અને સાચવવામાં આટલો બધો સમય ક્યા જતો રહ્યો એની ખબર જ નાં રહી. હજુ તો મને જાણે એમ જ લાગે છે કે તારા હાથની એ મહેંદી હજુ સુકાઈ નથી અને મારા ગાલ પરની એ પીઠીની સુગંધ જાણે મહેસુસ કરી રહ્યો
જિંદગીમાં ડગલે ને પગલે આવતી દરેક મુશ્કેલીઓને હસતા મુખે સહન કરવામાં તે મારો સાથ આપ્યો છે. ગમે તેવો સમય હોય પરંતુ તારો પ્રેમ હમેશા અવિરત રીતે મારા પર વહ્યો છે. જ્યારે પણ મને કોઈ વાતની ચિંતા હોય છે કે ફિકર હોય છે ત્યારે મારા ખભા પર તારો હાથ પડતા જ જાણે મને દુનિયાની અજબ શાંતિ મળી હોય એવો એહસાસ થાય છે અને એ સમયે હું પોતાની જાતને દુનિયાનો સૌથી સુખી અને સમજદાર માણસ સમજુ છુ.

મારી નજર જોઇને તું મારો મુડ પારખી લે છે અને એ પ્રમાણે હંમેશા મારી જોડે એડજસ્ટ થઇ જાય છે એ જોતા જોતા પણ મને મનોમન અપાર લાગણીઓ ફૂટી નીકળે છે. તારી એ સમજણ અને પ્રેમના વરસાદમાં હું હંમેશા જાણે લાગણીઓ રૂપી છાંટાઓથી ભીંજાયા કરતો હોઉં એવી રીતે ગર્વ મહેસુસ કરું છું કે ""તુ"" હા ""તુ"" મારી જિંદગી છે.

પ્રેમ શબ્દનો ઘૂંટારવ મેં તારા અસ્તિત્વમાં મહેસુસ કર્યો છે. તારી એક એક વાત અને લાગણીઓની વચ્ચે મેં મારી જાતને પીગળતા જોઈ છે. એનું કારણ તો મને ખબર નથી પરંતુ એ પ્રેમ અને લાગણીમાં મને પીગળવાનું ગમે છે. તારા પ્રેરકબળની સાથે જ હમેશા મને સારું જીવવાનો રાહ મળ્યો છે. તને હંમેશા એક વાત કહેવા માંગતો હતો આજ સુધી ક્યારેય કહી નહોતી જે આજે કહી રહ્યો છું. ભગવાને આજ સુધી મારા માટે બનાવેલી દરેક વસ્તુ અને વ્યક્તિમાંથી તું બેસ્ટ છે. કારણ કે તારા આવ્યા પછી જ હું મારી જાતને ઓળખતો થયો છું. મારી કોઈ ખરાબ આદત કે વાતને તે ઢાંકીને સારી વાતને હમેશા ઉજાગર કરી છે. કોઈ પણ બાબતમાં હમેશા એક સાચી સલાહકાર બનીને રહી છે.

"ઘર હોય ત્યાં બે વાસણ ખખડે"ની કહેવત મુજબ આપણે ઘણી વખત ઝઘડ્યા પણ છીએ પરંતુ એ ઝઘડા પાછળ મારી નિરંતર લાગણીઓ પણ હંમેશા ક્યાંકને ક્યાંક ડોકિયું કરતી જોવા મળી જ હશે તને.

તું મારા વગર કે હું તારા વગર રહી શકું છું એ વાતમાં દમ નથી. તું છે તો હું છું નહિતર કશું જ નહિ. મારી સાચી જિંદગી જાણે તારાથી જ શરુ થઇ હોય એવું મને ત્યારથી મહેસુસ થવા લાગ્યું હતું જ્યારથી તું મારી જિંદગીમાં આવી હતી. ઝઘડો કર્યા પછી પણ જ્યારે તું મને મનાવે છે કે પછી હું તને મનાવું છું ત્યારનો સમય હું હંમેશા બેસ્ટ ગણું છું કારણ કે મનાવવાના સમયે તારી અને મારી અંદર રહેલી એ અપાર લાગણીની નદીના નીર ખળખળ વહેતા બહાર આવીને હિલોળા લેતા જોવા મળે છે.

આ 1 વર્ષની સફર તો આંખના પલકારામાં જ પસાર થઇ ગઇ ખબર જ નાં રહી પણ તારી સાથે તો હજુ હું ઘણું બધું લાંબુ જીવવા માંગુ છું. તારો હાથ પકડીને ઘરડી ઉમરે દરિયાકિનારે અને બગીચામાં ચાલવા માંગું છું. તું વાતો કરતી હોય ત્યારે દાઢી પર ટેકો દઈને હું તને જોવા માંગુ છું. તારી દરેક નાની ખુશીઓને મારા હૃદયના પોટલામાં સમેટીને તેને વાગોળવા માંગું છું.

અત્યારસુધીમાં તારી દરેક જરૂરીયાતની વસ્તુ કે તારી ઈચ્છાની વસ્તુ જ્યારે જ્યારે મેં તારા હાથમાં મૂકી છે એ સમયનો તારો એ ખીલેલો ચેહરો હું હંમેશા જોવા માંગુ છું.
આપણી આ લગ્નની પહેલી વર્ષગાંઠે આવી અગણિત યાદોને હું આજે વાગોળી રહ્યો છું અને મનોમન મુસ્કરાઈ રહ્યો છું.
બાય ઘ વે હેપ્પી મેરેજ એનિવર્સરી એન્ડ એન્ડ એન્ડ......
(આટલુ બઘુ લખ્યા પછી I love you લખવાની કોઇ જરુર જ નથી, ઉપર લખેલા મારા એક એક શબ્દમા મારો તારી પ્રત્યેનો પ્રેમ જ તો ઝળકે છે.😘😘)

"તારી આગંળીઓ વચ્ચેની ખાલી જગ્યામાં સૌથી શ્રેષ્ઠ રીતે બંધબેસતી ગોઠવણ એ, મારી આંગળીઓ છે"